એકાંતિક ભક્ત
*વિરોધીઓ ભોંઠા પડ્યા*
અંજારના એકાંતિક ભક્ત પ્રાગજીભાઈ
*************************
કચ્છમાં અંજાર શહેરમાં ગગરાણી ફળિયામાં પ્રાગજીભાઈના આંગણે એક તેજસ્વી મુખાકૃતિ ને તપે કરીને કૃશ હોય એવા એક પવિત્ર સાધુ ભિક્ષા માટે આવીને ઉભા. “નારાયણ હરે, સચ્ચિદાનંદ પ્રભો….!” પ્રાગજીભાઈના બેન કાશીબા બહાર આવ્યાં ને પૂછયું. “બાવાજી..! ભિક્ષામાં શું લાવું?” ત્યારે સાધુ મહારાજે કહ્યું, “મૈયા, થોડા મગ આપો.” કાશીબા તો સુપડું ભરીને મગ લઈ આવ્યા ને સાધુને આપવા ગયા, ત્યાં સાધુ મહારાજે કહ્યું “મૈયા, અમારે તો આટલા બધા ન ખપે, અમને તો બે જ મુઠી મગ જોઈએ.” બાઈ તો આવા નિર્લોભી અને અલ્પહારી ભિક્ષુકને જોઈ પ્રભાવિત થયાં, પોતાની આંખનાં આંસુ લૂંછી બે મુઠી મગ સાધુને આપ્યાં. સાધુએ પૂછ્યું, “હે માં, તમે કેમ શોકાતુર છો?” તે સાધુ મહારાજ એટલું કહે ત્યાં તો બાઈ મોટેથી રડી પડયાં. સાધુ મહારાજે એ કાશીબાઇને શાંત રાખ્યા, પછી કાશીબા કહે 'મહારાજ મારો ભાઈ પ્રાગજી થોડા મહિના પહેલાં જ પરણેલો તે યજમાન વૃત્તિના કામે હાલમાં ભાલ પ્રદેશમાં ગયેલ ત્યાંથી સમાચાર આવ્યા છે કે તે મૃત્યુ પામ્યાં છે ને આજે તો તેનો નવમો દિવસ છે.” આટલું કહેતાં તો કાશીબાઈ વધુ ગળગળા બની ગયા.
એ તેજસ્વી સાધુ મહારાજે કહયું, “મા, તમારો ભાઈ મૃત્યુ ન પામે. એ તો જીવતા છે.” કાશીબા કહે, અરે બાવાજી, ચોકકસ સમાચાર આવી ગયા છે, હવે શું તે જીવતા હોય ? આપે તેમને જોયા છે.?” ત્યારે એ સાધુ મંદ મંદ હસતા કહે “માં, વિશ્વાસ રાખો. કાલે અગિયાર વાગ્યે તે આવી જશે.” એમ કહી એ તપસ્વી સાધુ મહાત્મા ડેલી તરફ પાછાં ન ફર્યા પણ બીજી બાજુ ભીંત હતી તે બાજુ ચાલ્યાં ને ભીંત સોંસરવા ચાલ્યા તે ભીંત પડી ગઇને પછી દેખાયા નહિ. કાશીબાઈ તો ઘણું ઘણું આશ્ચર્ય પામી.
તે બાજુ જઈને કાશીબાઇ જુએ તો કંકુના પગલાં પડેલા હતાં. તે ત્રણ પગલાંનું કંકું એમણે લઈ લીધું ને બીજાદિવસની સવાર સુધી રાહ જોવા નકકી કર્યું. બીજી બાજુ આ સાધુ મહાત્મા બીજા રૂપે નાતના આગેવાનોને ઘેર પણ જઈ આવ્યા ને કહયું “ભૂદેવ પ્રાગજીભાઈ જીવતા છે તેમને ઘેર કોઈ બેસવા જશો નહિ.”
આખાંયે ગામમાં આ વાતથી કૌતુક ફેલાઈ ગયું. સાચું શું હશે ? આ સાધુ કોણ હશે? એમ સહુ વિચાર કરવા લાગ્યા અને કાલ સવારે અગિયાર વાગ્યે ખબર પડશે એમ માની બીજા દિવસની રાહ જુએ છે.
બીજે દિવસે પ્રાગજીભાઈને મરી ગયાના સમાચાર પ્રમાણે દશ દિવસ થયા હતાં ને તે દિવસે તેમના પત્નીને મૂંડન કરીને માથાના વાળ ઉતારવાના હતા. પરંતુ નાતના આગેવાનને સાધુ મહાત્મા કહી ગયા હતા એટલે આગેવાને કહયું અગિયાર વાગ્યા સુધી રાહ જુઓ.
એ સમે ખરેખર પ્રાગજીભાઈ તો મૃત્યુ નહોતાં પામ્યાં પણ તેમના કોઈ દ્વેષીએ આવા ખોટા સમાચાર મોકલી તેમના કુટુંબીને હેરાન પરેશાન કરવાનો ઈરાદો હતો, ને તેથી તે દશમાં દિવસની રાહ જોતો હતો કે દશમા દિવસે પ્રાગજીભાઈના ધર્મપત્નીના જૂના રિવાજ પ્રમાણે વાળ ઉતરી જાય તો વધુ મજા આવે. પણ પ્રાગજીભાઈ તો શ્રીસ્વામિનારાયણ ભગવાનના અનન્ય ભક્ત હતા. શ્રીજીમહારાજના પ્રેમી ભકત હતાં. તેથી તેમની ચિંતા શ્રીજી મહારાજને હતી તેથી જ સાધુ વેશે આવી એમના કુટુંબીઓને કહી ગયા.
બીજે દિવસે ૧૧ વાગ્યા પહેલાં પ્રાગજીભાઈ ગામમાં આવી ગયા ને ગામ વચ્ચે નીલકંઠ મહાદેવનાં દર્શન કર્યા પછી ઘેર જવાનો વિચાર કર્યો. ત્યાં ગામમાં પ્રાગજીભાઈ આવ્યાના ખબર મળતા. પ્રાગજીભાઈના કુટુંબીઓ ને સગા સ્નેહીઓ હરખભેર શ્રી નીલકંઠ મહાદેવ પહોંચ્યાં ને ત્યાંથી સામૈયું કરી ભજન કરતાં ઘેર લઈ ગયા ને જે ભીંત બાજુ સાધુ વેશે આવેલા સ્વામિનારાયણ ભગવાન, તે ભીંત પાડી તેમાંથી પ્રાગજીભાઈને ઘેર પ્રવેશ કરાવ્યો.
અંજાર શહેરમાં ગગરાણી ફળિયામાં પ્રાગજીભાઈના ઘરમાં અગાઉ જે ભીંત પડેલી ત્યાં ડેલી બનાવી છે તે હજી આજે પણ મોજુદ છે ને તે આ પ્રસંગની સાક્ષી પૂરે છે. આ પ્રસંગ પછી તેમના કુટુંબી મોટાભાઈ આવેશ્વરભાઈએ પૂ. મહંત સ્વામીશ્રી અક્ષરજીવનદાસજીની પ્રેરણાથી અંજારમાં મંદિર બંધાવેલ.
જય શ્રી સ્વામિનારાયણ🙏
Comments
Post a Comment