નિર્દોષ મુર્તિ મૂળજી બ્રહ્મચારી
નિર્દોષ મુર્તિ મુળજી બ્રહ્મચારી
*************************
એકવખતે શ્રીહરિ સેવક મુળજી બ્રહ્મચારી સાથે વિચરણ કરતા ગામ ભાદરા પધાર્યા હતા. તે મુળજી બ્રહ્મચારીને શ્રીહરિએ પોતાની મોજડીને તેલ ચોપડવા કહ્યુ, તેથી બ્રહ્મચારી મોજડી લઇને ઓસરીની કોરે તેલ ચોપડવા બેઠા હતા. એ સમયે વશરામ સુતાર ત્યાં આવ્યા ને ભોળા સ્વભાવના મુળજી બ્રહ્મચારી પાસેથી આગ્રહે કરીને મોજડી લઇને પોતે ચોપડવા મંડયા. બરાબર એજ વખતે શ્રીહરિ ઓરડામાંથી બહાર ઓસરીમાં આવ્યાને વશરામ સુતારને પુછવા લાગ્યાં જે “વશરામ કોના જોડા ચોપડે છે?” એટલે તે કાંય ન બોલ્યા એટલે શ્રીહરિ મુળજી બ્રહ્મચારી પ્રત્યે બોલ્યા જે “અલ્યા બ્રહ્મચારી, તમે એના પાહે જોડા ચોપડાવો છો કે?” ત્યારે મુળજી બ્રહ્મચારી હાથ જોડીને બોલ્યા જે “અરે મહારાજ, મેં તો ધણીય ના કહી, તોય બળાત્કારે મારા પાહેથી લઇને તેઓ ચોપડવા મંડયા છે..!” તે સુણીને મહારાજ બોલ્યા જે “ આજથી જોડા પહેરે તે હરામ ખાય..!” ત્યારે બ્રહ્મચારી બોલ્યા જે “ભલે મહારાજ, સાત વખત હરામ ખાઉ, જોડા પહેરું તો..!”
પછી વળી થોડા દિવસ સાથે વિચરણ કરતા શ્રીજી મહારાજે બ્રહ્મચારીને વાંકમાં લાવીને ઘી-ગોળ ખાવાની પણ બંધી કરીને પોતાની સેવામાંથી દૂર કર્યા. ત્યારે બ્રહ્મચારી તો ઘણા દુખી થયા ને શ્રીહરિના વિરહમાં ચાલતા ત્યાંથી ડભાણ આવીને ભાઇરામદાસ સ્વામી પાસે રહ્યા.
ઉનાળે જ્યારે ડભાણમાં આંબાની કેરીઓ પાકી ત્યારે ભાઇરામદાસ સ્વામીએ ડોઢમણ કેરીનો ટોપલો શ્રીહરિ ને જમાડવા વાસ્તે તૈયાર કર્યો અને સૌને પુછયુ જે “ આ કેરીનો ટોપલો કોણ શ્રીહરિને પુગાડશે..?” ત્યારે શ્રીહરિના દર્શનના અભિલાષી એવા મુળજી બ્રહ્મચારી બોલ્યા કે “લાવો એ હું લઇ ને ગઢડે જાઉ..” એમ કહીને એ ડોઢમણ કેરીનો ટોપલો માથે ઉપાડીને ડભાણથી ગઢપુર સુધી મુળજી બ્રહ્મચારી આવ્યા ને દરબારગઢમાં આવીને શ્રીહરિના ચરણે એ ટોપલો મેલ્યો ને પગે લાગીને ‘જય સ્વામિનારાયણ’ કહ્યા છતાંયે શ્રીહરિ બ્રહ્મચારી સાથે કશુંય બોલ્યા નહી ને સામે પણ ન જોયું.
પછી બ્રહ્મચારી ગામમાં હરિભક્ત સુતારણબાઇને ઘેર જઇને ઉતારો કર્યો. ત્યારે એ બાઇ પુછવા લાગી જે “બ્રહ્મચારી, હમણાં કેમ દેખાતા નથી?” ત્યારે બ્રહ્મચારી બોલ્યા જે “મારો હમણા છ મહીનાથી પ્રભુએ ત્યાગ કર્યો છે, તે મને હમણાં પાસે ક્યાં રેવા દે છે. હું સાંઇઠ ગાઉથી ચાલીને માથે મેલીને ડોઢમણનો ટોપલો લાવ્યો ને ચરણે મેલીને ‘જે નારણ..!’ કહ્યા તોય મારા સાથે બોલ્યા નહી ને સામાં ‘નારાયણ’ પણ કહ્યા નહી.” આમ વાત કહેતાં બ્રહ્મચારીજી શ્રીહરિના વિયોગે ઘણા દિલગીર થયા.
તે સુણીને પેલી સુતારણ બાઇ તો તુરંતજ દરબારગઢમાં આવીને જ્યાં શ્રીહરિ બીરાજયા હતા ત્યાં આવીને પગે લાગીને મહારાજને કહેવા લાગી જે “મહારાજ… મહારાજ..! આમ સાવ નમેરા શું થયા છોવ? ઓલા બાપડા મુળજી બ્રહ્મચારી તમારા સારું સાંઇઠ ગાવ છેટેથી ડોઢ મણ કેરીનો ટોપલો માથે ઉપાડીને આ કાળઝાળ તડકામાં અડવાણાં પગે આવ્યા ને તમને પગે લાગ્યાં તો તમે બોલાવ્યા નહીને ‘નારાયણ’ પણ કહ્યા નહી..! પ્રભુ બચારા ઉપર આવા નિર્દયી કેમ થયા છો?” ત્યારે મહારાજ હસતા હસતા બોલ્યા જે “ડોશી, તમે બ્રહ્મચારીને સીધુ આપજો..!” એમ શ્રીહરિની આજ્ઞાએ ડોશીએ ઘેર આવીને બ્રહ્મચારીને ઘી-ગોળ લોટ શાક દાળ મસાલા વગેરેનું પાકું સીધુ દીધું.
બીજેદિવસે બ્રહ્મચારીએ સીધામાંથી બપોરટાણે પોતાના સારું બે રોટલા કરીને છાશ ને રોટલો જ જમ્યા. તે જોઇને સુતારણ ડોશી બોલી જે “કેમ બ્રહ્મચારી, ઘી-ગોળ પડ્યું મેલ્યું ને કેવળ રોટલોને છાશ જમ્યા?” ત્યારે મુળજી બ્રહ્મચારી બોલ્યા “બા, મહારાજના દર્શન થાય તે સારું છ મહીનાથી બંધ કર્યુ છે.” આમ, તે બાઈનો ઠપકો સાંભળવા છતાંયે મહારાજે પોતાને ન બોલાવ્યા પણ શ્રીજીમહારાજ પ્રત્યે બ્રહ્મચારી અતૂટ સ્નેહ ધરાવતા હતા.
બાઇના કહેવાથી એ દિવસે મૂળજી બ્રહ્મચારી, મહારાજ પાસે આવ્યા અને શ્રીજીમહારાજને જમાડવા માટે કેરીનો રસ કાઢી તૈયાર કર્યો. મહારાજ ઓસરીમાં જમવા પધાર્યા એટલે બ્રહ્મચારીએ કેરીના રસનો વાટકો મહારાજના થાળ પાસે મૂક્યો પણ મહારાજે તેમાં આંગળી પણ બોળી નહિ અને એકલી રોટલી જમતા જાય અને બ્રહ્મચારી સામે જોતા જાય. ત્યારે બ્રહ્મચારી બોલ્યા જે, ‘‘ભાઈ ! કોઈક હોવ તો મહારાજને રસ પીરસો તો એ જમે, તે મારી સાથે તો બોલતા નથી તે મારો પીરસેલ નહીં જમે..!” પછી મહારાજે બ્રહ્મચારીને કહ્યું જે, ‘‘બ્રહ્મચારી ! તમે જ પીરસોને !’’ ત્યારે બ્રહ્મચારીએ આનંદવિભોર થઈને કહ્યું જે, ‘‘મહારાજ ! હું તો તૈયાર જ છું.” પછી બ્રહ્મચારીએ મહારાજને રસ પીરસ્યો અને શ્રીજીમહારાજ રસ-રોટલી જમ્યા. આમ, મહારાજે મુળજીબ્રહ્મચારીને ફરીથી સેવામાં રાખ્યા.
( વળી, મૂળજી બ્રહ્મચારીની પરીક્ષા કરવા માટે એક વખત ગઢપુરમાં સદગુરૂ બ્રહ્માનંદસ્વામીએ શ્રીજીમહારાજની સમક્ષ બ્રહ્મચારીને કહ્યું કે, ‘‘બ્રહ્મચારી ! તમે વૃધ્ધ થયા છો તેથી તમો રામબાઈને ત્યાં જમો.” ત્યારે બ્રહ્મચારી બોલ્યા જે, ‘‘સ્વામી ! મારી રસોઈનું સીધું, રામબાઈને આપવું કે શાક પાંદડુ આપવું… તે જોઈને જો લોકો એમ બોલે કે બ્રહ્મચારી રામબાઈને વશ થઈ ગયા છે. લોકોનું આવું વચન સાંભળીને તો મારે આ પૂનમીયા (ગંગાજળીયા) કૂવામાં પડવું પડે. તેથી બાઈઓના હાથનું હું ખાઉં તો હરામ ને મારા વંશના ખાય તો એ પણ હરામ.’’
બ્રહ્મચારીની આવી સ્વધર્મનિષ્ઠ વાત સાંભળીને શ્રીજીમહારાજ બોલ્યા જે, ‘‘જુઓ સ્વામી ! બ્રહ્મચારી કેવા ભોળા છે પણ તેને પોતાના ત્યાગીપણાનું નિરંતર અનુસંધાન રહ્યા જ કરે છે.’’ )
આમ, ગમે તેવી આકરી કસોટીમાંથી પસાર થવા છતાં મૂળજી બ્રહ્મચારીને શ્રીહરિ પ્રત્યે અડગ નિષ્ઠા રહેતી અને તેઓના મનમાં અખંડ આનંદ જ રહ્યા કરતો તેથી જ શ્રીજીમહારાજે ગઢડા મધ્ય પ્રકરણના ૪૭માં વચનામૃતમાં કહ્યું છે કે, “જેમ અમારી ચાકરી મૂળજી બ્રહ્મચારી મહાત્મ્ય જાણી કરે છે. તેમ અમે પણ બ્રહ્મચારીનું મહાત્મ્ય જાણીએ છીએ.”
જય શ્રી સ્વામિનારાયણ
Comments
Post a Comment